← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સોમવાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સોમવારે સવારે
એલાર્મ ત્રણ વાર વાગે છે,
ને હું ત્રણેય વાર
એને ‘પાંચ મિનિટ’ની લાંચ આપું છું.

પત્ની ટિફિન પકડાવે છે,
દીકરી ઊંઘમાં ‘બાય’ કહે છે,
ને લોકલ ટ્રેનમાં
હું હજાર ખભા વચ્ચે
મારો ખભો શોધું છું.

બારીની બહાર
પાટા પાસે
એક ચકલી દાણો ચણે છે.

એને ખબર નથી
કે આજે સોમવાર છે.

કદાચ એટલે જ
એ આખું અઠવાડિયું
રવિવારની જેમ જીવી લે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઘડીમાંઆગલો લેખ →ખીલી