ખીલી
બાપુનું ઘર વેચ્યું.
ખરીદનાર ભલો માણસ હતો,
ભીંતે ભીંતે હાથ ફેરવીને જોતો હતો.
એક ભીંત પર
એક જૂની કટાયેલી ખીલી જોઈને બોલ્યો:
‘આ કાઢી નાખીશું, નકામી છે.’
મેં કશું ન કહ્યું.
એ ખીલી પર
ત્રીસ વર્ષ સુધી
બાપુનો થેલો ટીંગાતો —
શાકનો, દવાનો, પગારના દિવસે
જલેબીનો.
સાંજે
એ થેલો ટીંગાય
એટલે ઘરમાં ખબર પડતી:
બાપુ આવી ગયા.
ઘર તો વેચાઈ ગયું.
પણ જતાં જતાં
મેં એ ખીલીને
ચૂપચાપ
એક વાર અડી લીધું —
જાણે બાપુને પગે લાગતો હોઉં.
– પરાગ રતનપરા