સંતાય છે
મ્હેક જેવી કોઈ પીડા બાગમાં સંતાય છે,
ને ઠરેલી રાખ જેવું આગમાં સંતાય છે.
ગીત ગાયું ગાયકે ને ઝૂમતા સૌ ઘર ગયા,
કોણ જાણે, ડૂસકું એ રાગમાં સંતાય છે.
લાલ પીળા રંગથી ભીંજાય આખું ગામ પણ,
એક વિધવાનું સફેદ જ ફાગમાં સંતાય છે.
સંત ભગવામાં વિરાજે, ને કહે ‘છોડો બધું’,
કેટલો વેપાર એના ત્યાગમાં સંતાય છે!
પૂર્ણિમાની ચાંદની પર સૌ ફિદા છે, પણ ‘પરાગ’,
ચાંદની અડધી ય એના દાગમાં સંતાય છે.
– પરાગ રતનપરા
#ગઝલ #વિરોધાભાસ #છુપીપીડા #હોળી #દંભ #પરાગરતનપરા
#GujaratiGhazal #HiddenPain #Paradox #Hypocrisy #BeautyAndFlaw #ParagRatanpara