ટચલી આંગળી
કાનાએ
ટચલી આંગળી પર
ગોવર્ધન ઉપાડ્યો હતો —
સાત દિવસ.
મારા બાપુજીએ
એક જ આંગળી પર
આખું ઘર ઉપાડ્યું હતું —
ત્રીસ વરસ.
ઘરનું ભાડું,
મારી ફી,
બહેનનું કરિયાવર,
બાની દવા,
ને દર મહિનાની વીસ તારીખે
ખાલી થઈ જતું ખિસ્સું.
કોઈએ એમની પૂજા ન કરી,
કોઈએ છપ્પન ભોગ ન ધર્યા.
આજે
એ જ આંગળી ધ્રૂજે છે.
હું એને પકડી રાખું છું —
જાણે
આખો ગોવર્ધન
હવે મારા હાથમાં હોય.
– પરાગ રતનપરા