← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સંપત્તિ-જાહેરાત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સરકારી ફૉર્મ આવ્યું:
‘તમારી સંપત્તિ જાહેર કરો.’

મેં લખ્યું —

એક ઘડિયાળ, બાપુની; સમય બતાવતી નથી,
પણ સમય યાદ અપાવે છે.
એક પતરાની પેટી, બાની;
એમાં ત્રણ સાડી ને ચાલીસ વર્ષની ગડી.
બસો ત્રેપન કવિતાઓ;
બજારભાવ: શૂન્ય.
એક દીકરીનું હાસ્ય;
આવકવેરાની કોઈ કલમમાં બેસતું નથી.
એક મિત્ર, જે રાતે બે વાગ્યે પણ ફોન ઉપાડે.

ફૉર્મ પાછું આવ્યું
લાલ શાહીના શેરા સાથે:
‘અપૂર્ણ. કૉલમ નં. ૭ — રોકડ — ખાલી કેમ?’

હવે કેમ સમજાવું સાહેબને,
કે મારી બધી મૂડી
રોકડી નથી,
ભીની છે.

– પરાગ રતનપરા

અછાંદસવ્યંગ
← પહેલો લેખહજી ચાલે છેઆગલો લેખ →દીઠું ભીતરે