સિસ્ટર, દીકરાને કહેજો
સિસ્ટર, મારા દીકરાને કહેજો, ગભરાય નહીં,
મશીન ભલે બીપ બીપ કરે, મા હજી જાય નહીં.
બહાર બેઠો હશે બાંકડે, ઉજાગરે ભીનો ભીનો,
ચાના કપ પર કપ પીતો, ચહેરો ઝીણો ઝીણો;
કહેજો, મારી ચિંતા છોડી, બે કોળિયા ખાય અહીં…
સિસ્ટર, મારા દીકરાને…
નાનો હતો ત્યારે તાવમાં હું આખી રાત જાગી,
પોતાં મૂક્યાં, હાલાં ગાયાં, ઈશ્વર પાસે માગી;
હવે એ જાગે મારે માટે, ચક્કર ફરે છે અહીં…
સિસ્ટર, મારા દીકરાને…
પરાગ કહે: ત્યાં સિસ્ટર હસી, બોલી: ‘મા, તમે જીતશો,’
માએ કહ્યું: ‘હું જીતું કે હારું, દીકરો તો જીતશે;
માની દુવા મશીનથી મોટી, એ તો કદી ખૂટે નહીં’…
સિસ્ટર, મારા દીકરાને…
– પરાગ રતનપરા