શું ધરું?
ઓ ઈશ્વર, તને હું શું ધરું?
તારું જ આપેલું તને ધરતાં, મનમાં હું શરમાઉં, હરિ…
ઓ ઈશ્વર, તને હું શું ધરું?
ફૂલ ધરું તો ફૂલ તારાં, ધૂપ ધરું તો તારો,
દીવો ધરું તો દીવામાં પણ તેજ તણો અણસારો;
થાળ ધરું તો અન્ન તારું, જળ ધરું તો તારું,
મારું કહી શકું એવું હરિ, ક્યાં છે કશુંય મારું?
ઓ ઈશ્વર, તને હું શું ધરું?
શ્વાસ ધરું તો શ્વાસ તણી તેં જ આપી છે દોરી,
ગીત ધરું તો સૂર તારો, મારી કઈ છે ચોરી?
આંસુ એક જ મારું છે, જે આંખેથી સરતું,
એ જ ધરું ચરણે તારે, હૈયું હળવું કરતું.
ઓ ઈશ્વર, તને હું શું ધરું?
પરાગ કહે: મેં ફૂલ નહીં, ફૂલની ફોરમ ધરી,
મારાપણાનો ભાર મૂક્યો, ને ઝોળી ખાલી કરી;
ખાલી ઝોળી જોઈ હરિ હસી પડ્યા ત્યાં ધીરું —
‘આટલું જ જોઈતું’તું મને, લાવ, હવે એ ભરું!’
ઓ ઈશ્વર, તને હું શું ધરું?
– પરાગ રતનપરા