← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શ્રાદ્ધ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભાદરવો આવ્યો ને કાગડો બોલાવે, દીકરા, ખીર ધરાવે થાળ રે,
જીવતાં’તાં ત્યારે એક રોટલો ન દીધો, હવે કરે કાગની સંભાળ રે.

ઘરડાઘરમાં બાપુ બેઠા, ચશ્માં તૂટ્યાં, ના આવ્યું કોઈ,
મા તો ગઈ’તી દવા વિના, રાત આખી રોઈ રોઈ;
આજ છાપામાં ફોટો છપાવ્યો, ‘સ્વર્ગસ્થને ભાવભીની’ ભાળ રે…
ભાદરવો આવ્યો…

ગોર મહારાજે વિધિ કરાવી, દક્ષિણા લીધી ભારે,
કાગડા પણ ઉડી ગયા, કહે: ‘ખાવું નથી આ વારે’;
મરેલાંને જમાડવાનો શો અરથ, જ્યાં જીવતાંનો ન ખ્યાલ રે…
ભાદરવો આવ્યો…

પરાગ કહે: સાચું શ્રાદ્ધ તો જીવતાં માવતર સેવો,
એના હાથે મૂકો કોળિયો, એ જ તીરથ, એ જ દેવો;
પાછળથી તો કાગડા પણ નહીં ઝીલે તમારો થાળ રે…
ભાદરવો આવ્યો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખરેતમાંઆગલો લેખ →આંખોનું શરણ