શિયાળાનો તડકો
શિયાળાની બપોરે
દાદીમા
ઓટલે
તડકો ઓઢીને બેઠાં છે.
તડકો
એમના ખોળામાં
બિલાડીની જેમ
ગોળ વળીને સૂતો છે.
ક્યારેક
એ એને પંપાળે છે,
ક્યારેક
એની સાથે
ધીમે ધીમે
વાતો કરે છે —
દાદાની,
પિયરની,
પહેલી દિવાળીની.
સાંજ પડે
તડકો
ઊઠીને
ધીમે પગલે
છાપરા પર ચડી જાય છે.
દાદીમા
સાડલો ખંખેરી
અંદર જાય છે,
ને બોલે છે:
‘કાલે પાછો આવજે, હોં!’
મને લાગે છે
આ ઘરમાં
સૂરજ પણ
દાદીમાનો જ
કોઈ જૂનો ઓળખીતો છે.
– પરાગ રતનપરા