શિશિરનું પાન
શિશિરમાં
લીમડાનું એક પીળું પાન
ધીમે ધીમે
ખર્યું.
ન ચીસ,
ન ફરિયાદ,
ન ડાળને પકડી રાખવાની જીદ.
હવામાં બે-ત્રણ ગોળ ચક્કર લીધાં —
જાણે છેલ્લી વાર
આખું આંગણું જોઈ લેતું હોય.
પછી
ધૂળ પર
એવી રીતે બેઠું
જેવી રીતે દાદા
સાંજે ઓટલે બેસતા —
કશું કહ્યા વિના,
બધું સોંપી દીધા પછી.
– પરાગ રતનપરા