શબ્દની
શ્વાસના મણકા પરોવી, હાથ માળા શબ્દની,
ભીતરે અંધાર ભેદે એક જ્વાળા શબ્દની.
મૌનની પાટી ઉપર મેં ‘ઓમ’ ઘૂંટ્યો રાતભર,
એ જ મારો વર્ગ, ને એ એક શાળા શબ્દની.
થાક લઈને આવતો હું રણ મહીંથી રાતભર,
ને મળી ગઈ ત્યાં વિસામે ધર્મશાળા શબ્દની.
કેટલી વાતો હતી, પણ સભ્યતા રોકી રહી,
મૌન રાખ્યું, તો ઝળકતી દીપમાળા શબ્દની.
આ પરાગે મંચ પર ખેલ્યાં જનમનાં નાટકો,
છેવટે પરદો પડે, ત્યાં રંગશાળા શબ્દની.
– પરાગ રતનપરા
#ગઝલ #શબ્દ #મૌન #સાધના #અધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #PowerOfWords #Silence #SpiritualPractice #Shabda #ParagRatanpara