આભ છે
પાંખમાં તું, આંખમાં તું, તું જ તારું આભ છે,
પાંજરું ખોલી જરા જો, ખૂબ ન્યારું આભ છે.
ચાર ભીંતો, એક છત, ને પાંજરું સોના તણું,
દાણ-પાણી ત્યાં ભલે, પણ આ જ સારું આભ છે?
દીકરી ઊડી વિદેશે, ને અહીં મા ઝૂરતી,
ફોન પર કે’: ‘મા, અહીં તો સાવ પ્યારું આભ છે.’
ચાંદ તારા લાવશે, એવા હતા એનાં વચન,
ગામના ભાગે હજી પણ આ ઉધારું આભ છે.
આ પરાગે જાત સોંપી વાયરાને હાથમાં,
ફૂલને બોલ્યો: ‘હવે તો એ તમારું આભ છે.’
– પરાગ રતનપરા
#ગઝલ #ઉડાન #સ્વતંત્રતા #દીકરી #સપનાં #પરાગરતનપરા
#GujaratiGhazal #Freedom #SpreadYourWings #DaughterAbroad #OpenSky #ParagRatanpara