શબ્દકોશ
બાપુજીનો
જૂનો શબ્દકોશ
કબાટમાંથી મળ્યો.
પાને પાને
પેન્સિલની ઝીણી નોંધો,
ક્યાંક અન્ડરલાઇન,
ક્યાંક પ્રશ્નાર્થ.
‘ધીરજ’ શબ્દ પાસે
એમણે લખ્યું હતું:
‘મા પાસેથી શીખવું.’
‘પ્રેમ’ના પાને
એક સૂકું ગુલાબ
ચપટું થઈને સૂતું હતું.
મેં
‘બાપ’ શબ્દ શોધ્યો.
એનો અર્થ
ત્યાં નહોતો.
એ પાને
બસ
બાપુજીનાં ચશ્માંનો
એક ગોળ, ઝાંખો
ડાઘ હતો.
– પરાગ રતનપરા