ચાર રસ્તા
ચાર રસ્તે
એક ચાની કીટલી છે.
ત્યાં રોજ
કોઈ ને કોઈ
ઊભું રહી જાય છે —
હાથમાં કપ,
આંખમાં નકશો:
ડાબે જાઉં તો નોકરી,
જમણે જાઉં તો પરદેશ,
સીધો જાઉં તો બાપુની દુકાન,
પાછો વળું તો…
ચાવાળો
કપ ધોતાં ધોતાં હસે છે:
‘સાહેબ, ત્રીસ વરસથી જોઉં છું —
લોકો અહીં ઊભા રહીને
નક્કી કરે છે
ક્યાં જવું.
હું
ક્યાંય ગયો નહીં,
એટલે
સૌ
મારી પાસે આવે છે.’
– પરાગ રતનપરા