← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શબરી, પછી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રામ આવીને ગયા
એ પછી પણ
શબરી રોજ બોર વીણે છે.

ચાખે છે,
ખાટાં ફેંકી દે છે,
મીઠાં છાબડીમાં મૂકે છે.

કોઈએ પૂછ્યું:
‘હવે કોના માટે?’

શબરી હસી:
‘રામ તો એક જ વાર આવ્યા,
પણ રાહ જોવાની ટેવ
આખી જિંદગી આવી.
હવે આ આંગણું
રાહ વિના
સૂનું લાગે છે.’

ને છાબડીમાં
આજે પણ
મીઠાં બોર
અને એક અખંડ પ્રતીક્ષા.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખભીતરમાં હતોઆગલો લેખ →બાની કાંકરી