શામળિયો
શામળિયો મારો છેલછબીલો, વાંકી એની ચાલ રે,
મોરપીંછાળી પાઘડી બાંધી આવ્યો નંદનો લાલ રે.
ગોકુળની ગલીઓમાં ગાજે એના પગની ઘૂઘરી,
પાણી ભરવા જાઉં ત્યાં મારી ફૂટી જાય છે ગાગરી;
ઠપકો દેવા જાઉં તો હસીને ગાલે મારે ગુલાલ રે…
શામળિયો મારો…
વાંસળીએ જ્યાં સૂર છેડ્યો, ગાયો ભૂલી ચારો,
જમુનાજીનાં નીર થંભ્યાં, થંભ્યો સમય સારો;
સાસુ પૂછે, ‘ક્યાં ગઈ’તી?’ હું શું કહું મારા હાલ રે…
શામળિયો મારો…
પરાગ કહે: એ શ્યામ તો છે માખણ જેવો મીઠો,
જેણે એને એકવાર જોયો, એણે બીજો ન દીઠો;
તન મથુરા, મન ગોકુળ, ને શ્વાસે શ્વાસે વહાલ રે…
શામળિયો મારો…
– પરાગ રતનપરા