← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બે મિનિટ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ત્રીસમી જાન્યુઆરીએ
સાયરન વાગે છે,
અને આખું શહેર
બે મિનિટ માટે ઊભું રહે છે.

કોઈ ઘડિયાળ જુએ છે,
કોઈ ફોનમાં મેસેજ વાંચે છે,
કોઈ મનમાં ગણે છે —
એક સો વીસ, એકસો ઓગણીસ…

બે મિનિટ પૂરી થાય
એટલે શહેર ફરી દોડે છે,
હોર્ન વગાડે છે,
લાઇન તોડે છે,
અને ચોકમાં ઊભેલા
પથ્થરના એક દૂબળા માણસની
લાકડી પર
કબૂતર ચરક કરી જાય છે.

એ માણસ હજી
એ જ બે મિનિટમાં
ઊભો છે —
આપણે ક્યારે પાછા આવીએ
એની રાહ જોતો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપરદેશ ગયા સાજનઆગલો લેખ →શામળિયો