← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શાકવાળી માસી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શાકવાળી માસી
રોજ સવારે આવે છે,
માથે ટોપલો,
કેડે નાનું છોકરું.

હું ભાવતાલ કરું છું,
‘દસ રૂપિયા ઓછા કરો.’
એ હસીને
બે મરચાં, થોડી કોથમીર
વધારે મૂકી દે છે.

મૉલમાં
હું ચારસો રૂપિયાની
ચૉકલેટ લઉં છું,
બિલ જોયા વગર.

આજે માસી ન આવી.
સાંભળ્યું,
છોકરું બીમાર છે.

મેં ટોપલા વિનાની
ખાલી સવાર જોઈ,
ને પહેલી વાર
મને મારા દસ રૂપિયા
ખૂબ ભારે લાગ્યા.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખજોયું હશેઆગલો લેખ →નવું વરસ