નવું વરસ
નવું વરસ આવ્યું રે આંગણે, ઝૂલતું તોરણ લઈ,
જૂનાં દુખડાં વાળી નાખો, હરખે ભેટો સઈ.
રંગોળી પૂરી માએ ઉંબરે, દીવા મેલ્યા ગોખે,
બાળક ફોડે ફટાકડા, ને દાદા હસતા ઓટે;
સાલ મુબારક કહીએ સૌને, મનના મેલ ધોઈ…
નવું વરસ…
રૂઠેલો ભાઈ, રિસાયેલી બેન, આજે ભેટે ભેળાં,
પાડોશીના ઝઘડા ભૂલી, ભેગા થાય સૌ મેળાં;
ચોપડે નવે લખીએ ‘શુભ-લાભ’, ખોટું સઘળું ખોઈ…
નવું વરસ…
પરાગ કહે: વરસ નવું ત્યારે, જ્યારે મન નવું થાય,
કૅલેન્ડર તો બદલાય સહેલું, આદત ક્યાં બદલાય?
એક નવી ટેવ સારી પાડીએ, એ જ નવું વરસ, સઈ…
નવું વરસ…
– પરાગ રતનપરા