ભીંજાય છે
વાદળી તારી નજરમાં, ઓટલો ભીંજાય છે,
આંખ તારી, ને અહીં મુજ રોટલો ભીંજાય છે.
રાતભર તારાં નયનથી ઓસ ઝરતી, ને અહીં
ઓસરીમાં આ ઢળેલો ખાટલો ભીંજાય છે.
તું કહે છે, ‘આંસુ મારાં છે, તને શું?’, જો જરા,
એક ટીપે જીવડો આ કેટલો ભીંજાય છે!
જિંદગીભર જે ઉપાડ્યાં સ્વપ્ન તે સઘળાં, સખી,
આજ એ સપનાં તણો આ પોટલો ભીંજાય છે.
ફૂલ પર ઝાકળ ઢળે, ને જોઈને બોલ્યો પરાગ,
ફૂલ જેવો આ ભ્રમર પણ એટલો ભીંજાય છે.
– પરાગ રતનપરા
#ગઝલ #આંસુ #પ્રેમ #ગરીબી #વરસાદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Tears #Love #Poverty #Rain #ParagRatanpara