સેન્સેક્સ
પપ્પા સવારથી ટીવી સામે —
લાલ લીટી, લીલી લીટી,
‘સેન્સેક્સ ચારસો પોઇન્ટ ગબડ્યો!’
ને એમનું મોં પણ
ચારસો પોઇન્ટ ગબડે.
બા રસોડામાંથી બૂમ પાડે:
‘ટામેટાં એંસી રૂપિયે કિલો!’
એ સમાચાર
કોઈ ચૅનલ પર ફ્લૅશ થતા નથી.
બપોરે બજાર બંધ થાય,
પપ્પા હજારો ગુમાવીને સૂઈ જાય,
ને બા સો રૂપિયામાં
આખા ઘરનું પેટ ભરી
બચેલા પાંચ રૂપિયા
લોટના ડબ્બામાં સંતાડી દે.
દેશના અર્થશાસ્ત્રીઓ
કદી એ ડબ્બો ખોલતા નથી —
નહીંતર ખબર પડે
કે આ દેશની સૌથી સ્થિર બૅન્ક
કોઈ ગૃહિણીની
લોટવાળી આંગળીઓમાં છે.
– પરાગ રતનપરા