એડી
ફ્લાયઓવર નીચેના ડિવાઇડરમાં
કૉર્પોરેશને
એક લીમડો રોપ્યો છે —
બે ફૂટ માટી, ચારે બાજુ ડામર.
રોજ સવારે
બાપુજી ચાલવા નીકળે
ત્યારે ત્યાં ઘડીક ઊભા રહી જાય,
જાણે ગામનો કોઈ જૂનો ભાઈબંધ
અચાનક મળી ગયો હોય.
ગયા ચોમાસે
લીમડાનાં મૂળે
ડામરમાં તિરાડ પાડી.
નોટિસ આવી: ‘વૃક્ષ જોખમી છે, કાપી નાખવું.’
બાપુજી કશું બોલ્યા નહીં.
એ રાત્રે એમણે
પગ ગરમ પાણીમાં બોળ્યા
ને હું પાસે બેઠો —
ત્યારે જોયું,
એમની એડીમાં પણ
બરાબર એવી જ તિરાડો હતી.
– પરાગ રતનપરા