સેલ્ફીમાં
ગયા દરગાહ પર, દેખાય ક્યાં છે પીર સેલ્ફીમાં?
અમે ગંગા ગયા, ના ગંગ, ના ત્યાં તીર સેલ્ફીમાં.
હતો રસ્તે ઘવાયેલો, મદદ ના કોઈએ કીધી,
બધા હસતા હતા પાછળ, બની તસવીર સેલ્ફીમાં.
હતી થાળી ઠરી ગઈ, કોઈએ ના કોળિયો લીધો,
નવાબી ઠાઠથી બેઠી રહી'તી ખીર સેલ્ફીમાં.
ઘણા પૈસા ગુમાવીને ગયા'તા આપણે ફરવા,
નજર ફોને રહી, જોયું અમે કશ્મીર સેલ્ફીમાં.
પરાગે ફૂલને પૂછ્યું: તને સૂંઘ્યું કદી કોણે?
ગમી સૌને ઝડપવી રંગની જાગીર સેલ્ફીમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #સેલ્ફી #મોબાઇલ #દેખાડો #પરાગરતનપરા
#GujaratiGhazal #SelfieCulture #SocialSatire #PhoneAddiction #ShowOff #ParagRatanpara