એક રૂપિયાનો સિક્કો
હું એક રૂપિયાનો સિક્કો છું.
ભિખારીના વાટકામાં પડું
તો એ મોં બગાડે છે,
દુકાનદાર મને ગણતો નથી,
ને બૅંક તો મને
થેલીમાં ભરીને તોળે છે —
માણસ નહીં, વજન.
મંદિરની પેટીમાં
લાખોની નોટો વચ્ચે
હું સાવ શરમાઈને પડ્યો રહું છું.
પણ મને યાદ છે એક સાંજ —
દાદીએ સાડીને છેડે બાંધેલી ગાંઠ ખોલી,
મને કાઢ્યો,
પૌત્રની નાની હથેળીમાં મૂક્યો,
ને કહ્યું:
‘જા, ગોળી લઈ આવ.’
એ દિવસે
હું આખી દુનિયાનો
સૌથી મોંઘો સિક્કો હતો.
– પરાગ રતનપરા