મીરાંનો એકતારો
એકતારો બોલે રે, મીરાંનો એકતારો બોલે,
રાણાજીના મહેલ ડગમગે, ગિરધર મનડું ખોલે.
હીરા-મોતી ઉતાર્યાં ને પહેર્યો ભગવો વેશ,
મહેલ મૂક્યો, માયા મૂકી, મૂક્યો મેવાડ દેશ;
શેરી શેરી સાધુ સંગે, નાચે ઢોલે ઢોલે…
એકતારો બોલે રે…
લોક કહે: આ ગાંડી થઈ, કુળની લાજ ગુમાવી,
મીરાં બોલી: લાજ તો મેં શ્યામ-ચરણે ચડાવી;
દરદ દીવાનું કોણ જાણે? કોઈ ન મારે તોલે…
એકતારો બોલે રે…
પરાગ કહે: આ તાર એક, પણ સૂર એમાં સો સો,
એક જ નામે ગૂંથી દીધો આખો ભવનો દોરો;
દ્વારિકાના દ્વારે જઈને મીરાં શ્યામમાં ઓગળી ડોલે…
એકતારો બોલે રે, મીરાંનો એકતારો બોલે.
– પરાગ રતનપરા