સેલ, સેલ, સેલ!
સેલ લાગ્યું ભાઈ, સેલ લાગ્યું, આખા નગરમાં સેલ,
અડધા ભાવે સઘળું વેચે, ઈમાન, ધરમ ને મેલ.
નેતાજીએ વાયદા કાઢ્યા, જૂના ને ફાટેલા,
બે લેતાં ત્રીજો મફતમાં, કોથળે કાળા-ધોળા;
મત આપો ને ઘેર લઈ જાઓ સપનાંનો એક થેલ…
સેલ લાગ્યું ભાઈ…
ડૉક્ટર વેચે બીમારીઓ, વકીલ વેચે તારીખ,
શાળા વેચે ડિગ્રી કોરી, બાબા વેચે ભીખ;
ટીવી વેચે ચીસો-બૂમો, રોજ નવો એક ખેલ…
સેલ લાગ્યું ભાઈ…
પરાગ કહે: મેં પૂછ્યું, ભાઈ, માણસ ક્યાં મળે છે?
દુકાનદાર બોલ્યો: ‘એ તો આઉટ ઑફ સ્ટૉક છે!’
ખાલી થેલી લઈને પાછો, ઘર લાગે છે જેલ…
સેલ લાગ્યું ભાઈ…
– પરાગ રતનપરા