સરનામું
પંદર વરસ પછી
ગામ ગયો.
મૅપ ચાલુ કર્યો,
બાના ઘરનું સરનામું નાખ્યું.
ફોન
વળાંકે વળાંકે કહેતો રહ્યો:
‘ડાબે વળો…’
‘સીધા જાઓ…’
‘સો મીટર પછી…’
પછી
ધીમેથી બોલ્યો:
‘તમે પહોંચી ગયા છો.’
મેં ગાડી ઊભી રાખી.
જ્યાં
બાનો ઓટલો હતો,
તુલસીક્યારો હતો,
લીમડાનો છાંયો હતો —
ત્યાં
પેટ્રોલ પંપ હતો.
મૅપ સાચો હતો.
હું જ
ખોટા વરસે
પહોંચ્યો હતો.
– પરાગ રતનપરા