સરનામું
ફ્લેટ નંબર ચારસો બે.
નેઇમપ્લેટ પર મારું નામ છે,
લાઇટ બિલ મારા નામે આવે છે,
ચાવી મારા ખિસ્સામાં રહે છે.
છતાં રોજ સાંજે
લિફ્ટમાંથી ઊતરીને
હું એક પળ અટકું છું —
આ મારું જ ઘર છે ને?
કારણ કે
મારું ઘર તો
એક એવું ઘર હતું
જેનું બારણું
ક્યારેય બંધ નહોતું થતું,
ને જેના ઓટલે
મારી રાહ જોતી
એક ઝાંખી આંખ બેસતી.
આ ફ્લેટમાં
બારણું ખોલવા
ચાવી જોઈએ છે.
ત્યાં
બસ નામ જ પૂરતું હતું.
– પરાગ રતનપરા