← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લોકલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સવારે આઠ ને સત્તરની લોકલમાં
હું ઊભો નથી,
લટકું છું.

એક હાથે હેન્ડલ,
બીજા હાથે ટિફિન,
ને પગ નીચે
કોઈ બીજાનો પગ.

ભીંસ એટલી
કે મારો શ્વાસ
બાજુવાળાની છાતીમાં જાય છે,
ને એનો નિસાસો
મારી પીઠ પર ઊતરે છે.

કોઈ કોઈનું નામ નથી જાણતું,
છતાં
અંધેરી આવે ત્યારે
પાંચ હાથ એકસાથે
એક ઘરડા માણસને
અંદર ખેંચી લે છે.

આ શહેર ક્રૂર છે, એમ કહેનારા
કદી
આઠ ને સત્તરની લોકલમાં
લટક્યા નથી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસરનામુંઆગલો લેખ →ડૂબેલું ગામ