સરકારી શાળા
મારી સરકારી શાળા રે, એનાં તૂટ્યાં’તાં નળિયાં,
તોય એ જ છાપરા હેઠે અમને સપનાં મળિયાં.
ના બૂટ, ના બૅગ, ના ટાઈ, ઉઘાડે પગ જાતા,
બપોરે ખીચડી ખાઈને, ગીતો સાથે ગાતા;
માસ્તર તો એક જ, પણ જાણે સૌ વિષયના દરિયા…
મારી સરકારી શાળા…
વરસાદે ટપકે છાપરું, ત્યાં ડોલ મૂકી ભણતા,
બ્લૅકબોર્ડ પર ચોકથી ઊગતા સૂરજ ગણતા;
ઠોકર ખાઈ ઊભા થયા, ને શીખ્યા જીવનના ઘડિયા…
મારી સરકારી શાળા…
પરાગ કહે: આજે ઊંચી ફી, ને ઊંચી ઇમારત,
પણ એ શાળાની ધૂળમાંથી મળતી’તી જે મહારત;
એ ગામઠી શાળાએ જ અમને ઊડવાનાં પીંછાં દીધાં, ભઈલા…
મારી સરકારી શાળા…
– પરાગ રતનપરા