સરહદે કાગળ
લખતી રહીશ, સાજન, તને હું લખતી રહીશ,
તું સરહદે ઊભો, હું ઉંબરે ઊભી રહીશ.
ખેતરમાં કપાસ ખીલ્યો, ગાય વિયાઈ ધોળી,
ભાભીએ પૂછ્યું ‘ક્યારે આવશે?’ ને મેં આંખો ચોળી;
ચોમાસું ભીનું ને આંખો ભીની, કાગળ કેમ કોરો રાખીશ?…
લખતી રહીશ…
બંદૂક પર તારો હાથ ને મારા હાથમાં સોય,
તું દેશ સીવે, હું ઘર સીવું, બેઉનો ધાગો હોય;
તારી ચોકીએ ચાંદો જોજે, હું ય એ જ ચાંદો જોઈશ…
લખતી રહીશ…
પરાગ કહે: આ કાગળ નથી, આ તો ધબકારાની ટપાલ,
વાંચે નહીં તો ખિસ્સે રાખજે, ઢાલ બને તારી, લાલ;
તું પાછો આવે ત્યાં લગી હું દીવો બળતો રાખીશ…
લખતી રહીશ…
– પરાગ રતનપરા