સફર મારી
ન નકશો, ના પડાવો, ને છતાં આખી સફર મારી,
ધુમાડે, ધૂળમાં ને ઝાકળે ઝાંખી સફર મારી.
પ્રથમ ડગલે પિતાએ આંગળી ઝાલી હતી મારી,
પછી માએ દુઆઓમાં સદા રાખી સફર મારી.
ઘણા વગડા, ઘણાં રણ ને ઘણાં સાગર વટાવ્યાં મેં,
ગગનનો ચાંદ સાથી, એ જ છે સાખી સફર મારી.
હથેળી જોઈ જોષીએ, ઘણી ઊંચી કહી રેખા,
ખરે તો ઠોકરોએ જે લખી, ભાખી સફર મારી.
પરાગે ફૂલથી ફૂલે હવાની પાલખી કીધી,
બધાને મધ ધરી, ખુદ તો જરા ચાખી સફર મારી.
– પરાગ રતનપરા
#ગઝલ #સફર #જીવનયાત્રા #માતાપિતા #અનુભવ #પરાગરતનપરા
#GujaratiGhazal #LifeJourney #Wanderer #ParentsBlessings #Experience #ParagRatanpara