શરદ પૂનમ
ચાલ ને, સાજન, શરદ પૂનમની ચાંદનીમાં ચાલીએ,
ઝીણા ઝીણા અજવાળે આપણ ઝીણું ઝીણું મ્હાલીએ.
દૂધપૌંઆની થાળી મૂકી છે અગાસીને ખૂણે,
ચાંદો આવી ચાખી જાશે, કોઈ ન જાણે, કોઈ ન સૂણે;
તારી આંખમાં ચાંદો ઊગે, મારી આંખમાં ઝાલીએ…
ચાલ ને, સાજન…
ગરબો ગાતી સૈયરું ગઈ, શેરી થઈ ગઈ સૂની,
નદી કિનારે રેતી ચળકે, જાણે ચાંદીની ધૂણી;
પગલે પગલે ચાંદની ઢોળાય, ખોબે ખોબે ઝાલીએ…
ચાલ ને, સાજન…
પરાગ કહે: આ એક જ રાત છે, ચાંદો આખો ખીલે,
કાલે પાછો ઘટવા માંડે, વાત ન રાખે દિલે;
આજે જીવી લઈએ, વ્હાલા, કાલની વાત ન પાળીએ…
ચાલ ને, સાજન…
– પરાગ રતનપરા