સરહદનો દીવો
સરહદે મારો લાલ જાગે, ને ગામમાં દીવો બળે રે,
બરફની રાતે એનો શ્વાસ મારા ધબકારે ભળે રે.
માડી કહે: ‘મેં ધવરાવ્યો તે દૂધની લાજ તું રાખજે,
દુશ્મન સામે છાતી કાઢી, પગ પાછો ના નાખજે’;
છાને ખૂણે આંસુ લૂછે, તોય હસતું મોઢું મળે રે…
સરહદે મારો લાલ…
વહુ ઓશીકે કાગળ રાખે, અક્ષર અક્ષર ચૂમે,
મેંદી ઊતરી ગઈ હથેળીથી, તોય ઝાંઝર એની ઝૂમે;
ટપાલી આવે ને આખું ઘર એક જ સાદે ઢળે રે…
સરહદે મારો લાલ…
પરાગ કહે: જે ધરતી કાજે જીવ હથેળીએ ધરતા,
એના નામે આખો દેશ સુખની નીંદર ભરતા;
માટી એની ગાથા ગાશે, જ્યાં લગ સૂરજ ઢળે રે…
સરહદે મારો લાલ…
– પરાગ રતનપરા