← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એક ખભો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શબ્દોના ઢગલા નહીં, ભેરુ, મને એક ખભો આપજે,
આંસુ મારાં વહી જવા દે, તું બસ ચૂપચાપ રાખજે.

‘સૌ સારાં વાનાં થાશે’ ને ‘હિંમત રાખો, ભાઈ’,
આવાં વેણ તો રોજ સાંભળું, ઘર ઘરની ચતુરાઈ;
જે બોલ્યા વિના સમજી જાયે, એવું હૈયું સ્થાપજે…
શબ્દોના ઢગલા નહીં…

દુઃખ તો દરિયો, સુખ તો હોડી, કોણ કોને સમજાવે?
ડૂબતો જોઈ કિનારે ઊભા, સૌ શિખામણ વરસાવે;
કૂદી આવજે પાણીમાં, ને હાથ હાથમાં ઝાલજે…
શબ્દોના ઢગલા નહીં…

પરાગ કહે: આશ્વાસનના લાખો ઢોલ નગારાં,
એક મૂંગા સ્પર્શ સામે સૌ લાગે સાવ બિચારાં;
રડવા દેજે મન મૂકીને, પછી જ હસતાં શીખવજે…
શબ્દોના ઢગલા નહીં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસરહદનો દીવોઆગલો લેખ →ભીતરનું યુદ્ધ