સરહદ
ગામ આખું ઊંઘતું ને કોઈ જાગે સરહદે,
હિમ પવન કાંટા બનીને રોજ વાગે સરહદે.
પત્ર માનો છે ગજવમાં, આંગળી ઘોડા ઉપર,
બેઉમાં કઈ ચીજ ભારે? એ ન તાગે સરહદે.
આ તરફ દીવા, ફટાકા, રોશની ને રંગ છે,
એ તરફ ગોળી, ધડાકા, ઘાવ લાગે સરહદે.
એક વિધવા ગામમાં ઊભી અબોલી ચૂપચાપ,
એ તિરંગો ચૂમતી, સિંદૂર ત્યાગે સરહદે.
શું લખે સરહદ વિશે ઘરમાં જ બેઠો આ પરાગ?
એક સાચો શબ્દ મારો રોજ માગે સરહદે.
– પરાગ રતનપરા
#ગઝલ #સૈનિક #સરહદ #શહીદ #દેશપ્રેમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Soldier #Border #Martyrs #Patriotism #ParagRatanpara