સપનું
સત્તર વરસની એક છોકરીએ
નોટબુકના છેલ્લા પાને
લખ્યું હતું:
‘ડૉક્ટર બનીશ.’
પછી
કંકોતરી છપાઈ,
ચોરી બંધાઈ,
ને નોટબુક
પિયરના માળિયે
પસ્તીમાં ગઈ.
ત્રીસ વરસ સુધી
એ સપનું
રોટલીની ગોળાઈમાં,
દાળના વઘારમાં,
ને છોકરાંની લેસનમાં
ગોળ ગોળ ફરતું રહ્યું.
આજે
એની દીકરીએ
સફેદ કોટ પહેર્યો.
ફોટો પાડતાં
માના હાથ ધ્રૂજ્યા —
સપનું
ક્યાંય ગયું જ નહોતું,
ખાલી
એક પેઢી
રાહ જોતું બેઠું હતું.
– પરાગ રતનપરા