પાણી જેવું
મને અડજો પાણી જેવું, ઝરણું થઈને વહેજો,
મારી માટી મ્હેકી ઊઠે, એવું હળવે રહેજો.
આગ થઈને આવો તો હું રાખ બનીને ઊડું,
પથ્થર થઈને આવો તો હું કાચ બનીને તૂટું;
પાણી થઈને આવો તો હું ફૂલ બનીને ખીલું…
મને અડજો…
ઘાટ પ્રમાણે ઘાટ ધરે, એ પાણીની છે માયા,
ખોબે, લોટે, નદીએ, દરિયે, સરખી એની કાયા;
તમે ય મારા મનનો આકાર લઈને આવો, ઢળજો…
મને અડજો…
પરાગ કહે: આ પ્રેમ નથી કંઈ પકડી રાખવા જેવો,
ખુલ્લી હથેળીમાં ઝીલો તો રહે ખોબલે એવો;
મુઠ્ઠી વાળો તો સરી જાશે, એ સમજીને ઝીલજો…
મને અડજો…
– પરાગ રતનપરા