સપનું
સપનામાં સપનું જોયું રે, મેં તો સપનામાં સપનું જોયું,
આંખ ઉઘાડી તોય ન છૂટ્યું, સપનું સપને પ્રોયું!
સપને મ્હેલ ને માળિયાં દીઠાં, દીઠાં હાથી-ઘોડા,
જાગ્યો તો ઝૂંપડી ખાલી, ને ખાટલે ફાટ્યા જોડા;
પણ ઝૂંપડી ને મ્હેલ બેઉને એક જ હાથે ઘડ્યું, મોહ્યું…
સપનામાં સપનું…
કોણ સૂતો ને કોણ જાગ્યો, કોણ જુએ આ ખેલ?
દોરી એકની, પૂતળાં લાખ, લાખ નચાવે વેલ;
જેણે દીઠો નચાવનારો, એણે જગ સઘળું ખોયું…
સપનામાં સપનું…
પરાગ કહે: આંખ મીંચી તો ભીતર ઊગ્યો ભાણ,
સપનું ગયું ને સાચ રહ્યું, એ જ હરિની જાણ;
હવે ન સૂવું, હવે ન જાગવું, મેં મનડું હરિમાં પરોવ્યું…
સપનામાં સપનું…
– પરાગ રતનપરા