જૂની ચોપડી
જૂની ચોપડીઓ
ઓશીકે મૂકીને
સૂઈ શકાય છે.
ફોન
ઓશીકે મૂકો
તો
એ આખી રાત
ધ્રૂજ્યા કરે છે.
જૂની ચોપડીમાંથી
ક્યારેક
સુકાઈ ગયેલું
ગુલાબનું ફૂલ નીકળે છે,
ક્યારેક
બસની ટિકિટ,
ક્યારેક
પેન્સિલથી લખેલો
કોઈનો ફોન નંબર,
જેને હવે
ફોન કરવાની
હિંમત નથી.
ફોનમાંથી
ફક્ત
નોટિફિકેશન નીકળે છે.
ચોપડીનાં પાનાં
પીળાં પડે છે
તોય
એમાંના શબ્દો
જુવાન રહે છે.
ફોન
બે વર્ષમાં
ઘરડો થઈ જાય છે.
આજે રાતે
હું
ફોન બીજા ઓરડામાં મૂકીને
ઓશીકે
શરદબાબુ મૂકીશ.
– પરાગ રતનપરા