સપનાં હતાં
ખોરડાં કાચાં હતાં, પણ આંખમાં સપનાં હતાં,
આભને આંબી જવાનાં પાંખમાં સપનાં હતાં.
ઝૂંપડી બાળી ગયું ટોળું, રડે બાળક બધાં,
આગ ઠારી ત્યાં ય ભીની રાખમાં સપનાં હતાં.
બાપુએ લીધી ઉધારે લૉટરીની ટિકિટ એક,
ખર્ચ દસનો, ને પછી તો લાખમાં સપનાં હતાં.
ઝાડ કાપ્યું, ને નજર ના ગઈ ઉપરની ડાળ પર,
ત્યાં ય ઈંડાં, ત્યાં ય માળો, શાખમાં સપનાં હતાં.
આ પરાગે ઘડપણે પણ ગીત લખ્યાં પ્રેમનાં,
મોતિયો આવ્યો, છતાં એ ઝાંખમાં સપનાં હતાં.
– પરાગ રતનપરા
#ગઝલ #સપનાં #ગરીબી #આશા #પર્યાવરણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Dreams #Poverty #UndyingHope #Nature #ParagRatanpara