ભૂખ છે
ઝૂંપડીના બાળની આ એક નાની ભૂખ છે,
શેઠની મ્હેલાતમાં પણ ક્યાંક છાની ભૂખ છે.
તાજ માટે યુદ્ધ, હત્યા, છળ-કપટ ઇતિહાસમાં,
રાજ કરવાની સદીઓથી પુરાણી ભૂખ છે.
મંચ પરથી શેર બોલી, કાન સરવા રાખતો,
દાદ માટે જાગતી કેવી દિવાની ભૂખ છે.
પેટ પૂરું, ઘર સજેલું, બૅન્કમાં ભરપૂર ધન,
રાતના જાગી જવાતું, કો’ અજાણી ભૂખ છે.
આ પરાગે ફૂલને પૂછ્યું: ‘તને શું જોઈએ?’
ફૂલ બોલ્યું: મ્હેકવાની આ રુહાની ભૂખ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #ભૂખ #સત્તા #ખ્યાતિ #અધ્યાત્મ #પરાગરતનપરા
#GujaratiGhazal #Hunger #LustForPower #ThirstForFame #SoulHunger #ParagRatanpara