છોડ તું
વેરની, અભિમાનની એ ગાંઠ જૂની છોડ તું,
કોઈ જ્યાં ના રાહ જોતું, વાટ સૂની છોડ તું.
એક શેઢા કાજ ઝઘડા, કોર્ટમાં વર્ષો ગયાં,
ભાઈ સાથે વાડ માટે જીદ ખૂની છોડ તું.
ઈશ ઘરમાં, મા-પિતામાં, બાળકોમાં પણ વસે,
ઘર તજી, ભગવું પહેરી, ઢોંગ-ધૂણી છોડ તું.
બંગલો, ગાડી, ઝવેરાતો, તિજોરી છે ભરી,
છે ઘણું ત્યાં, એટલે આ ચાહ દૂની છોડ તું.
ફૂલ છોડી, થઈ પરાગ જ, ઊડ ખુલ્લા આભમાં,
હૂંફ ને આરામની એ શાલ ઊની છોડ તું.
– પરાગ રતનપરા
#ગઝલ #મુક્તિ #અહંકાર #વેર #લાલચ #પરાગરતનપરા
#GujaratiGhazal #LetGo #Ego #Grudges #Freedom #ParagRatanpara