સપનામાં હું
કાલે સપનામાં
હું મને મળ્યો —
વીસ વરસનો.
એણે પૂછ્યું:
‘કવિ થયો?’
મેં કહ્યું: ‘ના, નોકરી કરું છું.’
‘પેલી છોકરી?’
‘એનાં લગ્ન થઈ ગયાં.’
‘ગામનું ઘર?’
‘વેચી દીધું.’
એ ચૂપ થઈ ગયો.
પછી
મારા ખિસ્સામાંથી
પેન કાઢીને
મારી હથેળીમાં
લખી ગયો:
‘હજી મોડું નથી થયું.’
સવારે
હથેળી કોરી હતી.
પણ આ કવિતા
એ જ શાહીથી લખાઈ છે.
– પરાગ રતનપરા