સમયનું ચકડોળ
ફરતું રે ફરતું સમયનું ચકડોળ, ક્યાંય ન થોભે, ભાઈ,
ઉપર બેઠા એ નીચે આવે, નીચેવાળાની વધાઈ.
કાલે જેની ડેલીએ ઘોડા ને હાથીના ઠાઠ,
આજે એના આંગણે ઊગે ઘાસ ને સૂની વાટ;
કાલે જે ભૂખ્યો સૂતો'તો, આજ એની શાહુકારી…
ફરતું રે ફરતું…
બાળપણું તો રમતું રમતું ક્યારે ઊતરી ગયું,
જોબન આવ્યું ઝાંઝર પહેરી, ઝટ દઈ સરકી ગયું;
ઘડપણ બેઠું ચકડોળે ને માગે છે ટિકિટ પાછી…
ફરતું રે ફરતું…
પરાગ કહે: ચકડોળ ફરે, તું આંખો મીંચી ના બેસ,
ઉપર જા તો નીચે જો, ને નીચે હો તો આભને દેખ;
ચક્કર ભલે ને આવે, માણી લે આ ઘડી રૂપાળી…
ફરતું રે ફરતું…
– પરાગ રતનપરા