ભૂલવું
સાંજના ઝૂલે ગવાયાં, એ જ ગીતો ભૂલવું?
નામ તારું, નામ મારું, એ જ ભીંતો ભૂલવું?
ચા ઠરી જાતી, છતાં તું વાત લંબાવ્યા કરે,
એ રિસામણ, એ મનામણ, હાય, રીતો ભૂલવું?
હારવાનું તું જ જાણે, જીતવાનું હું સદા,
દાનમાં દીધેલ તારી, સર્વ જીતો ભૂલવું?
ચોકમાં જે ચીડવે ને લગ્નમાં નાચ્યા બધા,
આપણા એ ભાઈબંધો, દોસ્ત-મીતો ભૂલવું?
તું કહે: ‘ભૂલી જજે’, પણ પૂછતો તુજને ‘પરાગ’,
શ્વાસની સાથે વણેલી, પ્રાણ-પ્રીતો ભૂલવું?
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #સ્મૃતિ #વિરહ #દાંપત્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #Love #Memories #Separation #CannotForget #ParagRatanpara