જિંદગી વર્ઝન ૨.૦
જિંદગી
એક સૉફ્ટવેર છે —
જે મેં
ક્યારેય ખરીદ્યું નહોતું,
બસ
બાપદાદા પાસેથી
‘કૉપી’ થઈને આવ્યું.
લાઇસન્સ નથી,
મેન્યુઅલ નથી,
ને ‘હેલ્પ’ દબાવો
તો પાડોશીના કાકા
સલાહ આપવા આવી જાય.
રોજ સવારે
‘અપડેટ’ માગે છે —
નવો ફોન, નવો ફ્લેટ,
નવી ગાડી, નવો ચહેરો.
‘ટર્મ્સ ઍન્ડ કન્ડિશન્સ’
કોઈ વાંચતું નથી,
બધા
‘આઇ ઍગ્રી’ દબાવી દે છે —
લગ્ન વખતે,
લોન વખતે,
ને વોટ વખતે.
હમણાં
એક ‘વાયરસ’ ઘૂસ્યો છે:
સરખામણી.
ઍન્ટિવાયરસ શોધું છું;
બા કહે છે:
‘સાંજે તુલસીએ દીવો કર,
ને ફોન બંધ કર —
રીસ્ટાર્ટ થઈ જઈશ.’
– પરાગ રતનપરા