સલામ
એમનાં નામ
તકતી પર લખાયાં,
ચોકમાં પૂતળાં થયાં,
વરસમાં બે વાર
ફૂલહાર ચડે છે.
બાકીના દિવસોમાં
પૂતળાના ખભે
કબૂતર બેસે છે,
નીચે
ફેરિયો મગફળી વેચે છે,
ને આપણે
હૉર્ન વગાડતા
ઉતાવળે નીકળી જઈએ છીએ.
એક દિવસ
ફેરિયાના છોકરાએ પૂછ્યું,
‘બાપુ, આ કોણ છે?’
ફેરિયો બોલ્યો,
‘કોઈ મોટો માણસ હશે,
આપણો ધંધો
એના છાંયે ચાલે છે.’
સાચું જ કહ્યું એણે.
આ આખો દેશ
એ લોકોના છાંયે ચાલે છે,
ને આપણે
છાંયડાનું નામ પણ
ભૂલી ગયા છીએ.
– પરાગ રતનપરા