સખી, કે’તી નહીં
સખી, મારી વાત કોઈને કે’તી નહીં,
મારા હૈયાની છાબ તું ખોલતી નહીં.
ઓશીકે સંતાડ્યો છે મેં એક ભીનો કાગળ,
વાંચું ને શરમાઉં, જાણે ઊગી ગયાં ઝાકળ;
એનું નામ મારે હોઠે, તું બોલતી નહીં…
સખી, મારી વાત…
મેંદીના વેલામાં છુપાવ્યું એનું નામ છૂપ,
માડી પૂછે ‘રંગ કેમ ઘાટો?’, ને હું રહું ચૂપ;
મારા રંગના ભેદ તું તોળતી નહીં…
સખી, મારી વાત…
પરાગ કહે: પ્રીતની ખુશ્બૂ ક્યાંય ના છુપાય,
જેટલી ઢાંકો, એટલી આખા ગામે ફેલાય;
પણ તું સખી, એ ખુશ્બૂને ઢોળતી નહીં…
સખી, મારી વાત…
– પરાગ રતનપરા