માસી
માસી,
તમે છેલ્લી વાર આવ્યાં ત્યારે
થેલીમાં ગોળપાપડી લાવ્યાં હતાં,
ને મેં કહ્યું હતું,
‘હવે હું મોટો થઈ ગયો, માસી.’
તમે હસ્યાં હતાં.
સડક પરથી
તમારી એક જ ચંપલ મળી.
બીજી કદાચ
તમે પહેરીને ગયાં હશો —
કોઈ બીજા ભાણિયાને
ગોળપાપડી આપવા.
આજે રસોડામાંથી
ગોળની સુગંધ આવી,
ને હું ફરી
નાનો થઈ ગયો.
– પરાગ રતનપરા